Matthew 28

1વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. 2ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમકે પ્રભુનો દૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબરના મુખ પરથી પથ્થરને ગબડાવીને તે પર બેઠો.

3તેનું રૂપ વિજળી જેવું, તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું. 4તેની ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા અને મરણતોલ થઇ ગયા.

5ત્યારે દૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, તમે બીશો નહિ, કેમકે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું. 6જુઓ ઈસુ અહીં નથી, કેમકે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે, તમે આવો, જ્યાં પ્રભુ સૂતા હતા તે જગ્યા જુઓ. 7વહેલા જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો; જુઓ મેં તમને કહ્યું છે.

8ત્યારે તેઓ ભય તથા ઘણા હર્ષસહિત, કબરની પાસેથી વહેલા નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી. 9ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું કે, ‘કુશળતા.’ તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું. 10ઈસુ તેઓને કહે છે, ‘બીશો નહિ,’ જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે.

11તેઓ જતી હતી, ત્યારે જુઓ, ચોકીદારોમાંના કેટલાએકે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહ્યું. 12તેઓએ તથા વડીલોએ એકઠા થઈને સંકલ્પ કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને 13સમજાવ્યું કે, તમે એમ કહો કે, ‘અમે ઊંઘતા હતા એટલામાં તેમના શિષ્યો રાત્રે આવીને તેમને ચોરી ગયા.’

14જો એ વાત રાજ્યપાલને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.’ 15પછી તેઓએ નાણાં લીધાં અને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું; એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલે છે.

16પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઇસુએ તેઓને [જવાનું] કહ્યું હતું, ત્યાં ગયા. 17તેઓએ તેમને જોઇને તેમનું ભજન કર્યું, પણ કેટલાકને સંદેહ આવ્યો.

18ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, ‘આકાશ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.’ 19એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.

20મેં તમને જે જે આજ્ઞા આપી તે સર્વ પાળવાનું તેઓને શીખવવું; અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.’

Copyright information for GujULB